અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

10 જુલાઈ, 2025

અનોખી બાળસંસદ ચૂંટણી

 અનોખી બાળસંસદ ચૂંટણી 


ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા તેની પ્રવૃત્તિઓ થકી રાજ્ય કક્ષાએ ખ્યાતના મેળવી રહી છે. લોકશાહીના મૂલ્યો શાળા કક્ષાએથી જ બાળકોમાં વિકશે તથા એક જવાબદાર નાગરિક તરીકે, જવાબદાર વિદ્યાર્થી તરીકે તે શાળા, ગામ અને રાજ્ય તથા રાષ્ટ્રને સમર્પિત થાય તેવા ઉમદા ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા શાળા કક્ષાએ બાળ સંસદની ચુંટણી પ્રક્રિયા થકી રચના કરાવવામાં આવે છે. મોટેભાગે આ ચૂંટણી બેલેટ અથવા મોબાઈલ એપ્લિકેશનથી થતી હોય છે. જેમાં ઘણા બધા કાગળો વેડફાય છે. આ પરિસ્થિતિને લઈ ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાએ આ ચૂંટણીમા અનોખી રીતે બેલેટની જગ્યાએ છોડ આપી બાળકો પાસે મતદાન કરાવડાવ્યું. આખી પ્રક્રિયા આબેહૂબ ચૂંટણી પ્રક્રિયાની જેમ ઉભી કરવામાં આવી. જેમાં પ્રમુખ ચુંટણી અધિકારી, મતદાન અધિકારી, સુરક્ષાકર્મીઓએ પોતાની ભૂમિકા નિષ્ઠાથી નિભાવી. બાળ સંસદની ચૂંટણીનું જાહેરનામું, પ્રચાર પ્રસાર જોર શોરથી થયા.બાળકોએ પણ એમના મનગમતા નેતાને તેમનું નામ અને ફોટોગ્રાફ ઓળખી છોડરૂપી મત આપ્યા. ચૂંટણી પૂર્ણ થતા જેને સૌથી વધારે છોડ મતરૂપે મળ્યા છે, તે તમામ વિદ્યાર્થીઓને બાળ સંસદની નવી સમિતિ માં સમાવવામાં આવ્યા. ચૂંટણીના અંતે તમામ ઉમેદવારોને જાહેર સન્માન આપવામાં આવ્યું. સાથે સાથે દરેક બાળકને ઘરે પોતાની માતાને નામે વાવવા એક એક છોડ આપવામાં આવ્યો. શાળાએ આ અનોખી ચૂંટણી પ્રક્રિયા થી બાળકોમાં લોકશાહીના મૂલ્યો તો જાગૃત કર્યા જ છે,પરંતુ એની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ બાળકોમાં કેળવી છે. આ સમગ્ર બાળ સંસદનું આયોજન કરનાર પર્વતસિંહ ઠાકોર,કમલેશભાઈ વાળંદ તથા કિશનભાઇ પટેલ નું સુક્ષ્મ આયોજન ઉડીને આંખે વળગે તેવું હતુ. શાળાની આ ઉત્તમ પ્રવૃત્તિને ગ્રામજનો તથા શાળા વ્યવસ્થાપન સમિતિ ભાઈલાકૂઈએ બિરદાવી. નવી બાળ સંસદની સમિતિને શાળા પ્રત્યે વધુ જાગૃત બની શાળાનો વિકાસ કરવા માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.