અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

4 સપ્ટે, 2025

સ્વયં શિક્ષક દિન


ભાઈલાકૂઈ પ્રાથમિક શાળામાં  શિક્ષક દિનની ઉજવણી..


આજરોજ ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેનું સંપૂર્ણ આયોજન શાળાના શિક્ષક શ્રી કિશનભાઇ પટેલ સાહેબે ધોરણવાર,વિષયવાર,  સમય પત્રક મુજબ તાસ ફાળવણી ,વિષય વસ્તુની પૂર્વતૈયારી તથા પ્રાર્થના સંચાલનથી લઈ વર્ગ સંચાલન સુધીનુ ખુબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. સવારે શાળામાં પ્રવેશતા એમના ચહેરા પર શિક્ષક બન્યા હોવાનુ ગર્વ તથા આનંદ છલકાતો જોવા મળ્યો.આચાર્ય ની ભૂમિકા પસંદ કરનાર દીકરી જીમીએ પ્રાર્થનામાં ખૂબ સુંદર પ્રેરક પ્રવચન આપ્યું સાથે સાથે તમામ શિક્ષક મિત્રોને રસપ્રદ વર્ગ શિક્ષણ માટે સૂચન કર્યું. તમામ શિક્ષક મિત્રોએ ખૂબ સુંદર શિક્ષણકાર્યની સાથે વર્ગ સંચાલન પણ કર્યું. ધોરણ છ થી આઠ ના વર્ગોમાં સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરી ટેકનોલોજી ની મદદથી શિક્ષણકાર્ય કરવામાં આવ્યું. બાલવાટિકા, ધોરણ 1 અને 2  માં ચંચળ બાળકોને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું તથા મહાવરો કરાવવામાં આવ્યો. અંગ્રેજી જેવા વિષયમાં બોર્ડ ઉપર જુદી જુદી રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી. તેમને ફાળવેલ સ્ટાફ રૂમમાં તેઓ સાચુંકલા શિક્ષક બની રસપ્રદ ચર્ચાઓ કરતા જોવા મળ્યા. સેવકની ભૂમિકા પસંદ કરેલ સેવાના ભેખધારી એવા દિકરા મેહુલે સૌની ખુબ સરભરા કરી. શિક્ષકના વ્યક્તિત્વને છાજે તેવા પોષાકની સાથે બાળકો સાથે તેમને કરેલા સંવાદ અને વ્યવહારથી બાળકો ખૂબ ખુશ જોવા મળ્યા. એક દાતાશ્રી દ્વારા તમામ બાળકોને ચટાકેદાર પાણીપુરી ની મિજબાની આપવામાં આવી.પર્વતસિંહ દ્વારા અદભુત ટેસ્ટફૂલ પાણીપુરી તૈયાર કરવામાં આવી. કમલેશભાઈ, કિશનભાઇ, વિનુભાઈ તથા મધ્યાહનની ટીમે ખડે પગે રહી સૌને પ્રેમથી પાણીપુરી પીરસી. સૌએ ધરાઈને પાણીપુરી ખાધી. આજે શિક્ષક બનવાના સપનો માટેના બીજ બાળકોમાં રોપાયા. આજનો અનુભવ એમના જીવન માટે ખૂબ પ્રેરણાદાઈ રહ્યો. શિક્ષકનો વ્યવસાય અને તેમાં આવતા પડકારોનો આછો પાતળો અનુભવ પણ આજે તેમણે કર્યો. ટીમ ભાઈલાકૂઈના સૌ શિક્ષક મિત્રો તથા આજે શિક્ષક બનેલ વિદ્યાર્થીઓને આજના શિક્ષક દિનને સફળ બનાવવા બદલ અભિનંદન સહ આભાર..


શિક્ષક દિનની ઉજવણીનો વિડીયો નિહાળી