દાનથી કૌશલ્ય કેળવણીની યાત્રા
સરકારશ્રી દ્વારા બાળકોને ખાસ કૌશલ્યલક્ષી કેળવણી આપવાની હિમાયત થઈ રહી છે. ત્યારે ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાને સ્વ.શ્રી વિનોદભાઈ ગાર્ડી (કપડવંજ)ના પરિવારજનો તરફથી મળેલી સિવણ મશીનની ભેટનો કૌશલ્ય કેળવણીની દિશામાં ઉપયોગ શરૂ કર્યો.સરકારી માધ્યમિક શાળા ભાઈલાકૂઈના ઈ.આચાર્યશ્રી મિતેશભાઈ પટેલ સાહેબે દિકરીઓને સિવણની ખાસ તાલીમ મળે તે માટે કપડવંજની આદર્શ વિદ્યાલયના વોકેશનલ ટ્રેનર બહેનશ્રી ભુમિકાબેન શ્રીવાસ્તવને શાળામાં બોલાવ્યા.ભુમિકાબેને સૌ વિદ્યાર્થીઓને સીવણ ક્ષેત્ર વિશે સુંદર પરિચય કરાવી, સીવણ મશીનના પ્રકારો, ઈલેક્ટ્રીક મશીન ,સાદુ પગથી ચાલતું મશીન, તેના વિવિધ ભાગો, દોરા પોરવવાની રીતો, સીવવાની કળા, સીવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, સીવણથી મળતી રોજગારી, સીવણમાં વર્તમાન ડીઝાઈનો, પેટર્ન, અને ગુણવત્તાલક્ષી નવીન્યતાપૂર્ણ કામ કરી કેવી રીતે આર્થિક પગભર બની શકાય તેની ખૂબ વિશદ માહિતી આપી. સાથે સાથે દીકરીઓ અને દીકરાઓને દોરા પોરવવાથી લઈને સીવણનો જીવંત અનુભવ પણ પૂરો પાડ્યો. આ અનુભવ અને માર્ગદર્શનથી બાળકોને સીવણ ક્ષેત્ર માં રહેલી ઉજળી તકોના દર્શન થયા. સાથે સાથે બાળકો એ દિશામાં વિચારતા પણ થયા. શાળા પરિવારે મિતેશભાઈ પટેલ સાહેબનો તથા વોકેશનલ ટ્રેનર ભૂમિકાબેન શ્રીવાસ્તવનો પણ ખાસ આભાર વ્યક્ત કર્યો.












